મારી માતૃભાષા – ગુજરાતી
મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,
ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;
મલક કઇં કેટલાય ખૂંદયા , બધાની ધૂળ ચોંટી છે પણ ,
હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે !
( ડો. રઈસ મણિયાર )
મને ગુજરાતી ભાષા માટે માન છે કારણ કે આ મારી માતૃભાષા છે .વરસો પહેલાં એક સાહિત્ય સમારંભમાં જાણીતા કવિ શ્રી. ઉમાશંકર જોષીએ પોતાનો પરિચય આપતા કહ્યું હતું – હું ગુજરાતી ભાષામાં લખતો એક ભારતીય લેખક છું . દરેક માણસને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઇએ ; જે કોઇ પણ પોતાની માતૃભાષાને હડધૂત કરે છે તે જાણે પોતાની માતાને હડધૂત કરતા હોય એવું મને લાગે છે !
આપણી ભાષાને નરસિંહ મહેતા , પ્રેમાનંદ અને ગોવર્ધનરામ વગરેનો વારસો મળ્યો છે . પૂજ્ય ગાંધીજીએ પણ ગુજરાતી ભાષામાં જ પોતાની આત્મકથા લખી છે .એક જાહેર સભામાં ગાંધીજીએ કહ્યું હતું – અંગ્રેજી ભાષા એક બારી સમાન છે ,
એમાંથી નવી તાજી હવા ભલે આવે પણ કમનસીબે આપણે બધાએ અંગ્રેજી ભાષાને બારીને બદલે બારણું - Gateway of India બનાવી દીધી છે ! અંગ્રેજી આપણા દીવાનખંડની ભાષા ભલે હોય
પણ આપણા શયનકક્ષની ભાષા કદાપિ ન હોવી જોઈએ .
શ્રી. જવાહરલાલ નેહરુએ માતૃભાષાનાં સંદર્ભમાં એક સરસ વાત કહી છે – જે પણ ભાષામાં ઊંઘમાં તમને સ્વપનું આવે એ જ તમારી માતૃભાષા ! કોઇકે બીજી વાત કહી છે – તમે દુખમાં પીડાતા હો એવી મુશ્કેલ ઘડીમાં તમારા મોઢામાંથી ‘ ઓ મા કે આઇ લા ’ જેવો સહજ ઉદગાર જે પણ ભાષામાં નીકળે એ તમારી માતૃભાષા !
માતૃભાષા એ આપણા ઘરનો ઉંબરો છે ; અંગ્રેજી તે ઉંબરામાંથી ફૂટતો બહાર જવાનો રસ્તો છે . આપણે બધાએ આપણું ગુજરાતીપણું જાળવી રાખવાનું છે , આપણાં મૂળને ઉખેડવાના નથી પણ આપણી ભાષામાં જ રોપાઈને રહેવાનું છે . આપણાં સંતાનો Jack and Jill નાં વારસો નથી પણ આપણાં બાળગીતોનાં વારસો છે . Cindrela ની વાર્તા આપણાં બાળકો ભલે વાંચે પણ આપણાં જ બકોર પટેલ કે મિયાં ફૂસકીને લાત ન મારે . આપણે Alice in Wonderland અને Harry Potter ભલે વાંચીને ખુશ થઇએ પણ આપણાં ગિજુભાઇની બાળવાર્તાઓ કેમ ભૂલી જઇએ ? Pearl Buckની The Good Earth જરૂર વંચાય પણ
શ્રી. પન્નાલાલ પટેલની ‘ માનવીની ભવાઇ ‘ નો કાંકરો કેમ કાઢી શકાય ? યુવાન લેખક અને શાયર શ્રી. ઉદ્દયન ઠક્કર ગુજરાતી ભાષાની અવદશા વિષે જાહેરખબરની ભાષામાં લખે છે – ખોવાઇ છે , ગૂમ થઇ છે
Convent School નાં કમ્પાઉન્ડમાંથી શાળાનાં સંચાલક અને માતપિતાની બેદરકારીથી ગુજરાતી વાંચતી અને લખતી એક આખી ય પેઢી !
આને ગોતી લાવનાર માટે કોઇ ઇનામ નથી ,
કારણ કે એ હમેશનાં માટે ખોવાઇ ચૂકી છે !
શિક્ષણનાં માધ્યમ અંગે કોઇ પણ દેશે પોતાની માતૃભાષા સાથે સમાધાન કર્યું હોય એવું મારી જાણમાં નથી . આજકાલ ગુજરાતમાં ટપોટપ અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે .
આવા કપરા સંજોગોમાં આપણી માતૃભાષા ગુજરાતીને બચાવવા
માટે જાણીતા વિચારક ડો. ગુણવંત શાહનાં માનવા મુજબ નીચે
પ્રમાણેનું આયોજન થઇ શકે –
( ૧ ) ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ભાષાના ઉત્તમ
શિક્ષણની વ્યવસ્થા પહેલા ધોરણથી કરવી .
( ૨ ) અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષાના ઉત્તમ
શિક્ષણની વ્યવસ્થા પહેલા ધોરણથી કરવી .
( 3 ) ગુજરાતી શાળાઓમાં ગણીત , વિજ્ઞાન , કોમ્પ્યુટર જેવા ટેકનિકલ વિષયોનું અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવું અને બાકીના
વિષયોનું ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવું .
( ૪ ) અંગ્રેજી શાળાઓમાં સંસ્કૃત , હિન્દી જેવી ભાષાઓનું શિક્ષણ
ગુજરાતી ભાષામાં જ આપવું બાકીના વિષયોનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપી શકાય . મને આશા છે કે ઉપર જણાવ્યા પ્રમાણેનું વ્યવસ્થિત આયોજન અને તેનો કડક અમલ આપણી ગરવી ગુજરાતી ભાષાને જરૂર બચાવી શકશે .આપણી માતૃભાષાના સંદર્ભમાં કવિ શ્રી. વિપિન પરીખની એક રચના તો સાથે હું મારી વાત હવે પૂરી કરું છું –
મને મારી ભાષા ગમે છે
કારણ કે મારી બાને હું બા કહી શકું છું .
Mummy બોલતાં શીખ્યો તો હું છેક પાંચમાં ધોરણમાં
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં પહેલી વાર mummy કહીને બૂમ પાડેલી .
બા ત્યારે સહેજ હસેલી ,
કારણ કે બા એક કાગળ પણ માંડ માંડ લખી શક્તી . મારી બા ઘરની બહાર કામ કરવા ક્યારે પણ ગઇ નહોતી , કોઇ વાર બા કિટ્ટીપાર્ટીમાં ગઇ હોય એવું પણ મને યાદ નથી,
નવી નવી વાનગીઓ શીખવા બા કોઇ ક્લાસમાં પણ ગઇ નહોતી.
છતાંય અંગ્રેજી નામ ખડક્યા વગર એ
થાળીમાં જે પણ મને પીરસતી તે બધું જ અમ્રુત બની જતું !
મને મારી ભાષા ગમે છે ,
કારણ કે મને મારી બા ગમે છે !
( સંકલન )
અંગ્રેજી ભણીને આપણાં બાળકો કઇ ભાષામાં રડશે ?
આ બાળકો અંગ્રેજી ભણીને ઉપભોગવાદી થઇ અંગ્રેજીમાં ( etiquette માં ) ખોટા ખોટા હસશે અને તેમનાં માબાપને ગુજરાતીમાં ( સાચે સાચાં ) રડાવશે !
( કાકા કાલેલકર )
Thanks....
Dr. Paresh Chaudhary
No comments:
Post a Comment