ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Sunday, February 21, 2016

માતૃભાષા ગૌરવ દિન......

21મી ફેબ્રુઆરી વિશ્ર્વ માતૃભાષા દિન છે. સમગ્ર વિશ્ર્વ પોતાની માતૃભાષાનો ગૌરવ દિન ઉજવી રહી છે. ત્યારે મારી નચિકેતા સ્કૂલના ગુજરાતી મીડીયમના બાળકો માટે લખેલી માતૃભાષા માટેની એક અછાંદસ કવિતા પ્રેમથી સ્વીકારજો.

        કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?

        કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય છે. બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે.

ક – કલમનો ‘ક’ ખરેખર ઘાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો

ખ – ખડીયાનાં ‘ખ’ ની શ્યાહી ખૂટી ગઈ છે.

ગ – ગણપતિને બદલે ગુગલનો ‘ગ’ ગોખાતો જાય છે.

ઘ – અમે બે અને અમારા એક ઉપર ઘરનો ‘ઘ’ પૂર્ણવિરામ પામી ગયો છે.

ચ – ચકલીનો ‘ચ’ ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે....

છ – છત્રીના ‘છ’ ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે.

જ – જમરૂખનો ‘જ’ જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે.

ટ – ટપાલીનો ‘ટ’ તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે. એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ ?

ઠ – ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે.

ડ – ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે.

ઢ – એ.સી.સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાના ‘ઢ’ની સ્હેજ પણ કિંમત નથી.

ણ – ની ફેણ લોહી લુહાણ થઇ ગઇ છે પણ કોઇને લૂંછવાનો સમય કયાં?

ત – વીરરસનો લોહી તરસ્યો તલવાનો ‘ત’ હવે માત્ર વાર્ષિકોત્સવના તલવાર રાસમાં કયાંક કયાંક દેખાય છે

થ – થડનો ‘થ’ થપ્પાદામાં રીસાઇને સંતાઇ ગયો છે કારણ કે એ સંતાનો થડ મુકીને કલમની ડાળુએ ચોંટયા છે

દ – દડાનો ‘દ’ માં કોઇએ પંચર પાડી દીધુ છે એટલે બિચાકડો દડો દવાખાનામાં છેલ્લાશ્ર્વાસ પર છે

ધ – ધજાનો ‘ધ’ ધરમની ધંધાદારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઇને મોજથી નહી પણ ડરી ડરીને ફફડી રહ્યો છે.

ન – ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે નગારાના ‘ન’  નો અવાજ સંભળાય છે કોને ?

પ – પતંગનો ‘પ’ તો બહુ મોટો માણસ થઇ ગયો છે અને હવે પાંચસો કરોડના કાઇટ ફેસ્ટીવલ નામે ઓળખાય છે.

ફ – L.E.D. લાઇટના અજવાળામાં ફાનસનો ‘ફ’ માત્ર ફેસબુક પર દેખાય છે.

બ – બુલફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના ‘બ’ ને બધાયે બેન્ડ વાળી દીધો છે.

ભ – મોબાઇલ અને કમ્પ્યુટરની અધતન રમતો, ભમરડાના ‘ભ’ ને ભરખી ગઇ છે.

મ – મરચાનો ‘મ’ હવે કેપ્સીકમ થઇ ગયો છે ને મોબાઇલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે.

ય – ગાયને ગાયનો ‘ય’ બંને બિચારા થઇને કત્તલખાને રોજ કપાયા કરે છે.

ર – રમતનો ‘ર’ તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં ઉતરતાં જ ગુજરી ગયો છે.

લ – લખોટીનો ‘લ’ તો ભેદી રીતે ગુમ છે, કોઇને મળે તો કહેજો.

વ – વહાણના ‘વ’ એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઇ લીધી છે.

સ – સગડીનો ‘સ’ માં કોલસા ખૂટી જવાની અણી માથે છે.

શ – એટલે જ કદાચ શકોરાના ‘શ’ ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવાની નોબત આવી છે.

ષ – ફાડીયા ‘ષ’ એ તો ભાષાવાદ, કોમવાદ અ પ્રદેશવાદના દ્રશ્યો જોઇને છાનો મૂનો આપઘાત કરી લીધો છે.

હ – હળનો ‘હ’ તો વેંચાય ગ્યો છે અને એની જમીન ઉપર મોટા મોટા મોંઘા મોલ ખડકાય ગ્યા છે.

ળ – પહેલા એમ લાગતું હતું કે એક ‘ળ’ જ કોઇનો નથી. પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ અનાથ થઇ ગઇ છે.

ક્ષ/જ્ઞ – ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ કયાં ચોઘડીયે શરૂ કરીશું આપણે સૌ ?

        સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડયું છે. અને સાડી પહેરેલી ગુજરાતી મા ની આંખ્યુ રાતી છે. પોતાના જ ફળિયામાં ઓરમાન થઇને ગુજરાતી મા કણસતા હૈયે રાહ જોવે છે કોઇ દિવ્ય 108ના ઇંતજારમાં....! આવો ઘાયલ થઇ ગયેલી ગુજરાતીને ફરી સજીવન કરીએ, બેઠી કરીએ, પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ....!

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...